મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળના ૬૮૦ આવાસોમાંથી ૧૨ આવાસ સ્વેચ્છાએ રદ્દ થયાં અથવા ખાલી પડેલ હોવાથી હવે તે માટે વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓમાંથી આવાસ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોગ્ય દસ્તાવેજ સાથે પસંદગી પામેલ લાભાર્થીઓને રૂમ નં. ૧૬ ખાતે હાજર રહેવા જણાવાયું છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઈડબલ્યુએસ-૧ કેટેગરીમાં કુલ ૬૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૈકી ૧૨ આવાસો હાલ ખાલી પડેલા છે કારણ કે તે સ્વેચ્છાએ રદ્દ કરાયા છે અથવા ઉપયોગમાં લેવાયા નથી. મહાનગરપાલિકા દ્વારા આ ખાલી પડેલા આવાસો માટે વેઈટીંગ લીસ્ટને આધારે ફાળવણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેના દસ્તાવેજો તેમજ વેઈટીંગ લીસ્ટમાં સમાવિષ્ટ લાભાર્થીઓની યાદી મોરબી મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, ગાંધીચોક ખાતે આવેલા નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાભાર્થીઓને તા. ૨૫ જૂન ૨૦૨૫, બુધવારના રોજ રૂમ નં. ૧૬ ખાતે જાતે જરૂરી દસ્તાવેજોની નકલ સાથે રૂબરૂ હાજર રહેવું જરૂરી રહેશે.
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફાળવણી માત્ર ૧૨ ખાલી પડેલા આવાસો માટે જ રહેશે. વેઈટીંગ લીસ્ટમાંથી બે ગણા લાભાર્થીઓને આવકારવામાં આવ્યા છે, પણ યોજનાના નિયમો અનુસાર જે પ્રથમ ૧૨ લાભાર્થીઓ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે યોગ્ય રીતે હાજર રહેશે તેમને અનુક્રમણિકા મુજબ ફાળવણી કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી દ્વારા દસ્તાવેજ પૂરા ન પાડવામાં આવે તો ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરીને અન્ય લાભાર્થીને ફાળવણી કરવામાં આવશે.