પ્રથમ ભત્રીજાને ગાળો આપતા નાનાભાઈને ઠપકો આપવા ગયેલ મોટાભાઈને પેટમાં તથા ભત્રીજાને સાથળમાં છરીનો એક ઘા માર્યો
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મકાનના ભાયુ-ભાગનું મનદુઃખ રાખી નાનાભાઈએ મોટાભાઈ તથા ભત્રીજાને છરીનો એક-એક ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં મોટાભાઈને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા ભરતભાઇ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભીને તેમના નાનાભાઈ જગદીશભાઈ કે જેઓ પડોશમાં જ રહેતા હોય તેની સાથે મકાનના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો રોષ રાખી ભરતભાઈનો પુત્ર દેવરાજ ગત તા. ૧૩/૦૯ના રોજ બપોરના અરસામાં ઘરની નજીક દૂધ લેવા ગયો ત્યારે કાકા જગદીશભાઈએ દેવરાજને અપશબ્દો બોલ્યા હોય જેથી દેવરાજે ઘરે આવી પિતા ભરતભાઇને વાત કરતા જે બાબતે ભરતભાઇ ઠપકો આપવા નાનાભાઈ જગદીશભાઈ પાસે ગયા ત્યારે એકદમ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને પેટના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો, ત્યારે આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા જેથી જગદીશભાઈ જતા જતા ભત્રીજા દેવરાજને સાથળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો ત્યારે હાલ પિતા-પુત્રને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઇજાગ્રસ્ત ભરતભાઈના પત્ની રંજનબેન ભરતભાઇ ડાભી દ્વારા આરોપી દિયર એવા જગદીશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.