મોરબીના પરા બજાર પાસે આવેલ ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરી બાબતે ગઈ ૨/૧૨ થી ૧૦/૧૨ સુધીમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગઈકાલ તા.૧૦/૧૨ના રોજ અલગ અલગ બે મોટર સાયકલ ચોરી અંગે પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ સાથે સપ્તાહમાં એક જ સ્થળેથી ચાર બાઇક ચોરી થવાની ત્રીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના વાઘપર(પીલુડી) ગામે રહેતા ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી ઉવ.૪૪ ગઈ તા.૦૬/૧૦ ના રોજ હીરો કંપનીનું ડિલક્ષ મોટર સાયકલ રજી.ન. જીજે-૦૩-ડીએચ-૪૩૬૭ લઈને મોરબી કામ સબબ આવ્યા હોય ત્યારે ત્રિકોણ બાગમાં આવેલ પાર્કિંગમાં ઉપરોક્ત મોટર સાયકલ પાર્ક કરીને બજારમાં ગયા હતા, જ્યાંથી કામ પૂર્ણ કરી તેઓ પરત આવ્યા ત્યારે ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું,
જ્યારે અન્ય એક બાઇક ચોરી થયાની ફરિયાદ મુજબ પંચાસર રોડ ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલ ઉવ.૩૮ ગઈ તા.૧૨/૧૧ના રોજ પોતાનું હીરો કંપનીનું સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં.જીજે-૦૩-બીએલ-૫૪૮૭ લઈને બજારમાં ગયા હતા ત્યારે મકનભાઈએ પોતાનું ઉપરોક્ત બાઇક ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર બાઇક ચોરી કરી લઈ ગયો હોય જે મુજબની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન તસ્કર આરોપી સામે ગુનો નોંધ્યો છે.