મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં અગાઉ મોટર સાયકલ ઝડપથી ચલાવવા બાબતે થયેલ માથાકૂટ બાબતનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ તથા ઢીકા પાટુનો માર મારી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી, હાલ હોસ્પિટલના બિછાનેથી સારવાર લઈ રહેલ યુવક દ્વારા અત્રેના પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મકરાણીવાસમાં રહેતા તોસિફભાઈ ઉર્ફે ચકો મહેબૂબભાઈ બ્લોચ ઉવ.૨૭ ને અગાઉ મુસ્તુદાદુભાઈ દાવલીયા અને તોફિકભાઈ રહીમભાઈ મકરાણી બન્ને રહે.મકરાણીવાસવાળા સાથે મોટર સાયકલ ઝડપથી ચલાવી નીકળવા બાબતની જૂની અદાવત ચાલતી હોય તે દરમિયાન ગઈકાલે સવારના ૬.૩૦ વાગ્યાના અરસામાં તોસીફભાઈ પોતાની રીક્ષા સાફ કરતા હોય ત્યારે ઉપરોક્ત બન્ને શખ્સો તથા અન્ય એક અનવરભાઈ કુરેશી રહે.નાનીબજાર વાળાએ તોસીફભાઈને ગાળો આપી તેની સાથે જપાજપી કરવા લાગ્યા હતા તે દરમિયાન લોખંડના પાઇપ અને ઢીકા પાટુ વડે તોસીફભાઈને માર મારી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે દેકારો થતા તોસીફભાઈના પિતા સહિત આજુબાજુ વાળા ભેગા થઈ જતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે તોસીફભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા હાથમાં ફ્રેકચર તથા શરીરે મૂંઢ ઇજાઓ પહોંચ્યા અંગે ડોક્ટરે જાહેર કર્યું હતું, હાલ તોસીફભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી મુસ્તુદાદુભાઈ દાવલીયા અને તોફિકભાઈ રહીમભાઈ મકરાણી બન્ને રહે.મકરાણીવાસ વાળા તથા આરોપી અનવરભાઈ કુરેશી રહે.નાનીબજાર વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.