ટ્રક ડ્રાઇવરોને છરી બતાવી પાઇપ વડે ચાર ટ્રકમાંથી ૭૫૦ લીટર ડીઝલની લૂંટ
મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રી હરિ ચેમ્બર નજીક પાર્ક કરેલ ટ્રકના ડ્રાઈવરોને સફેદ કલરની સ્કોર્પિયો કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા છરી બતાવી ટ્રકની ટાંકીમાં પાઇપ નાખીને અલગ અલગ ચાર ટ્રકોમાંથી ૭૫૦ લીટર ડીઝલની લૂંટ કરી ત્રણેય ઈસમો નાસી ગયા હતા. હાલ ટ્રાન્સપોર્ટર ટ્રક માલીક દ્વારા તાલુકા પોલીસ મથકમાં ડીઝલ લૂંટ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટના કોટડાસંગાણી ગામના વતની હાલ રાજકોટ સહકાર સોસાયટી શેરી નં.૫ માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉવ-૩૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સફેદ કલર સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૧૨-સીજી-૨૨૧૮ માં આવે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૩/૦૧ના રોજ રાત્રીના ૩ વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ, પટેલ વિહાર હોટલની બાજુમાં ફરિયાદી સંજયભાઈ બે ટ્રકના ડ્રાઈવરો અને પ્રવીણભાઈ દલસાણીયાના ટ્રકના ડ્રાઈવરને તેમજ સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરોને એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ છરી બતાવી ડરાવી ધમકાવી ગાડીઓની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબાઓમાં આશરે ૭૫૦ લીટર ડીઝલ કિ.રૂ.૬૭,૫૦૦/-ભરી લૂંટ કરી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ત્રણ ઈસમો તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.