મોરબી શહેરમાં હાલ તહેવારો અનુસંધાને જીલ્લા પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી ચાલુ હોય તે દરમિયાન શહેરના તખ્તસિંહજી રોડ ઉપર સીએનજી રીક્ષામાં ઈંગ્લીશ દારૂ લઈ નીકળેલ એક બાળ કિશોર સહિત ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે વિદેશી દારૂ આપનાર નામચીન સપ્લાયરનું નામ ખુલતા તેને આ કેસમાં ફરાર દર્શાવવામાં આવ્યો છે. હાલ એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ તથા સીએનજી રીક્ષા સહિત રૂ.૫૩,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના તખ્તસિંહજી રોડ નવયુગ કપડાં શોરૂમ નજીક શંકાસ્પદ હાલતમાં સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૩૪૦૯ ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા રીક્ષાના ચાલક સહિત ત્રણ ઈસમો સવાર હોય, ત્યારે પાછળની સીટમાં બેઠેલા શખ્સ પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮પીએમ વ્હિસ્કીની ૧૨ બોટલ કિ.રૂ.૩,૬૦૦/-મળી આવતા તુરંત ત્રણેય આરોપી જેમાં રીક્ષા ચાલક આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા ઉવ.૩૦ રહે. મોરબી રણછોડનગર, મૂળ વાવડી રોડ બજરંગ સોસાયટી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ ૧૭ વર્ષીય સગીર તેમજ ત્રીજો આરોપી રવિ રાજેશભાઇ પરેચા ઉવ.૨૮ રહે.અમૃતપાર્ક સેન્ટમેરી સ્કૂલ પાસે મૂળ રહે.મોટી વાવડી ગામ વાળાની અટક કરી હતી. જ્યારે આરોપી સગીરને જરૂરી કાર્યવાહી કરી તેના વાલીને સોંપી આપેલ છે, હાલ પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં આ ઈંગ્લીશ દારૂનો જથ્થો નામચીન આરોપી સાગર કાંતિલાલ પલાણ રહે. મોરબી રણછોડનગર વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલિસે તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.