ડાઉન પેમેન્ટના નામે કિરણ મોટર્સ હિંમતનગરની ખોટા સહી સિક્કાવાળી પહોંચ આપી ત્રણેયને મોરબીના ભેજાબાજે બાટલીમાં ઉતાર્યા.
મોરબીના વાંકાનેરમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને તેમના બે મિત્રોને મોરબીના મિતરાજસિંહ નામના શખ્સે કાર મંગાવી આપવાની લાલચ આપી ડાઉન પેમેન્ટના નામે ત્રણ અલગ અલગ બેંક ખાતામાં કુલ રૂ. ૯.૫૧ લાખ ઓન લાઇન પેમેન્ટ મેળવી છેતરપીંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ હિંમતનગર કીરણ મોટર્સના ખોટા સહી સિક્કા વાળા દસ્તાવેજો બનાવી, માતબર રકમ લઈને ઠગાઈ કરી છે, હાલ મોરબીનો ભેજાબાજ મોબાઇલ બંધ કરીને રફુચક્કર થઈ ગયો છે. ત્યારે એ ડિવિઝન પોલીસે આરોપીએ આપેલ પોતાનું બેંક ખાતા સહિત ત્રણ બેંક ખાતા ધારક વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વિવિધ દિશાઓમાં તપાસની તજવીજ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના સરધારકા ગામના જયદીપભાઈ જીવરાજભાઈ ડાભી ઉવ. ૨૮, જે હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ડિસેમ્બર ૨૦૨૪માં તેમણે પોતે અને તેમના બે મિત્ર મહેશભાઈ માલકીયા અને રવિભાઈ મેર સાથે મળીને મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા રહે.મોરબી મારફતે કાર બુક કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે આરોપી મિતરાજસિંહે તેમને હિંમતનગર કીરણ મોટર્સમાંથી “મારૂતી સુઝુકી ફ્રોન્સ” કાર રૂ.૭.૯૫ લાખમાં મળી જશે એવું જણાવી મિતરાજસિંહ, તેમનો ભાગીદાર મયુરસિંહ ઝાલા રહે.રાજકોટ અને પોતાના પિતા નિર્મળસિંહ સરવૈયાના નામના ત્રણ અલગ અલગ બેંક ખાતામાં ડાઉન પેમેન્ટના નામે ત્રણેય પાસેથી કુલ રૂ. ૯.૫૧ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ વોટ્સએપ દ્વારા કીરણ મોટર્સ હિંમતનગરની ખોટા સહી સિક્કાવાળી પહોંચ મોકલાઈ હતી.
જે બાદ જ્યા ફરિયાદી જયદીપભાઈના મિત્રએ કીરણ મોટર્સ હિંમતનગર સંપર્ક કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે માત્ર રૂ. ૫,૦૦૦ જ બુકિંગ પેટે જમા થયા છે અને બાકીની કોઇ રકમ તેઓના શો-રૂમમાં જમા કરાઈ નથી. આથી ફરિયાદીઓને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ત્યારે જયદીપભાઈએ આ મામલે ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મીતરાજસિંહ, તેના પિતા નિર્મળસિંહ અને તેનો ભાગીદાર મયુરસિંહના બેંક એકાઉન્ટના ખાતા નંબર ઉપરથી ત્રણેય વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.