મોરબી રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પત્રકાર એસોસિયેશન તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મોરબી માટે લાંબા અંતરની ટ્રેનો, ફાટકનું વિસ્તરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જેવા મહત્વના મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતો બાબતે રેલ્વે જનરલ મેનેજરે હકારાત્મક વલણ બતાવી મોરબીના પ્રશ્નોને પ્રાથમિકતાથી વિચારવાનું આશ્વાસન આપ્યું હતું.
મોરબી રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરનું આજે ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા મોરબી મુલાકાતે આવ્યા હતા. આ અવસરે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયા, સંદીપ કુંડારીયા, અજયભાઈ મારવણીયા તથા મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે ઉદ્યોગ જગત સામે ઊભા થતા મહત્વના પ્રશ્નો અંગે જનરલ મેનેજર સમક્ષ સચોટ અને મજબૂત રજૂઆત કરી હતી.
ઉદ્યોગકારોની મુખ્ય રજૂઆતોમાં મોરબી-રફાળેશ્વર પાસે આવેલ નંબર ૨૧ ફાટકને પહોળું કરવાની માંગ, મોરબી-હળવદ માર્ગે લાંબા અંતરની ટ્રેનો ચલાવવાની જરૂરિયાત, મોરબીમાં કાર્યરત અન્ય રાજ્યોના લાખો પરપ્રાંતીય મજૂરો માટે સીધી ટ્રેન સુવિધાઓ શરૂ કરવાની માંગ, ભુજ-બરેલી, કામખિયા સહિતની ટ્રેનોને વાયા મોરબી ચલાવવાની રજૂઆત, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રેલ્વે તરફથી અસરકારક પગલાં લેવાની માંગ કરી હતી. જ્યારે પત્રકાર એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકારો પણ રેલ્વે જીએમને આવેદન પત્ર આપ્યું છે જેમાં મોરબી માટે લાંબા અંતરની ટ્રેનોની વધારાની જરૂરિયાત, ભુજ-ગાંધીધામથી હળવદ થઈને ચાલતી ટ્રેનોને વાયા મોરબી દોડાવવા, મુંબઈ-અમદાવાદ ડેઈલી ટ્રેનને મોરબી રૂટ પર લાવવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી સાથે સાથે પત્રકારો અને ઉદ્યોગકારોએ રેલ્વે જીએમ સમક્ષ સવાલ કર્યા હતા. કે, “મોરબી સ્ટેશન પરથી દર મહિને ૫૦ કરોડની આવક થતી હોવા છતાં અહીંના લોકો સાથે અન્યાય કેમ?”, મોરબીનું નવું સ્ટેશન ૧૦ કરોડના ખર્ચે બનાવાયું, પરંતુ માત્ર મોરબી-વાંકાનેર વચ્ચેની ૨-બોગીની ડેમુ જ ચાલે છે, અન્ય યાત્રિક ટ્રેન સુવિધા લગભગ શૂન્ય ?, “મોરબી સ્ટેશન માત્ર માલગાડીઓ માટે છે? મુસાફરો માટે નહીં?” એવા સીધા પ્રશ્ન જનરલ મેનેજર સામે મુકવામાં આવ્યા હતા. હાલ રજુ થયેલા તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ રેલ્વે જનરલ મેનેજરે હકારાત્મક વલણ દર્શાવ્યું અને મોરબી માટે જરૂરી ટ્રેન સુવિધાઓ પ્રદાન કરવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.









