મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપતા બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કેસની સુનાવણી બાદ કોર્ટએ પૂરતા પુરાવાના અભાવે આરોપીઓને મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સલીમ તાજુદીન બ્લોચ અને મીલન દિનેશભાઈ રાઠોડ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ નોંધાયા બાદ બંને આરોપીઓ જેલમાં હતા અને મામલો મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ. આર. નાયક અને આર.ડી. ચાવડાએ કોર્ટ સમક્ષ કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે વિગતવાર અને ધારદાર દલીલો રજૂ કરી હતી. આ દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દિનેશભાઈ રાઠોડને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.









