ઓનલાઇન આધાર કાર્ડ સેન્ટરના માલીક તથા પોસ્ટમેન સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
મોરબીમાં સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરની દુકાનમાં બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા એક પોસ્ટમેન તથા ઓનલાઇન સેન્ટરના માલીક સહિત બે ભેજાબાજોની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેની સામે છેતરપિંડી તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,મોરબીના કુબેરનગર-૩ મેઈન રોડ ઉપર ભાડેના મકાનમાં રહેતા મૂળ રાજકોટ મવડી મેઈન રોડ નવલનગર શેરી નં.૮ ના રહેવાસી પરાગ હરસુખલાલ વસંત ઉવ.૩૭ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે આરોપી વિજયભાઇ સરડવાએ પોતાની ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપી પોસ્ટમેન જયેશભાઇ ગોવીંદભાઇ સરાડવા ઉવ.૪૧ રહે.ઉમીયાનગર ધુનડા રોડ કેશવપેલેસ ૩૦૧ મોરબી મુળ ગામ સરવડ તા.જી.મોરબીવાળાની આઇ.ડી નંબર ૭૦૦૩૫ નંબર વાળી કીટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમાં કોઇ પણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઇ.ડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઇપણ રીતે બનાવટી બાયોમેટ્રીક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઇ કરી હોય જે મુજબને આધારે હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.