મોરબીમાં ૨૦૧૭માં રિસામણે ગયેલી મહિલાને આશરો આપવાના મુદ્દે બે શખ્સોએ મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડનાર બંને આરોપીઓને મોરબી ડિસ્ટ્રિક્ટ જજસાહેબની કોર્ટએ ૧૦-૧૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. જેમાંથી ભોગ બનનાર મહિલાને વળતરરૂપે રૂ.૫૦ હજાર ચૂકવવાનો પણ આદેશ થયો છે.
મોરબીમાં વર્ષ ૨૦૧૭માં બનેલા ગંભીર હિંસક બનાવમાં મોરબી કોર્ટએ ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ફરિયાદી રેશમાબેન ગિરીશભાઈ વિડજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઈ પરમારની પત્ની કાંતાબેન રિસામણે ગયેલી હતી. કાંતાબેન રેશમાબેનના પરિચિત હોવાથી તેઓએ માનવતાવશ આશરો આપ્યો હતો. આ બાબતે દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઈ પરમાર અને અશોકભાઈ રૂપાભાઈ પરમાર એમ બંને આરોપીઓને ન ગમતા રેશમાબેન સાથે ઝઘડો કરી તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં રેશમાબેનના માથા પર ગંભીર ઇજા થઈ હતી તેમજ ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. ફરિયાદ બાદ બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૬,૫૦૪ અને ૫૦૬ હેઠળ ગુનો નોંધાયો હતો.
ત્યારે ઉપરોક્ત કેસ મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા, જેમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો, રેશમાબેનની જુબાની, મેડિકલ એવીડન્સ અને એફએસએલ રિપોર્ટને આધારે કોર્ટએ આરોપી દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઈ પરમાર અને અશોકભાઈ રૂપાભાઈ પરમાર બન્નેને ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત રૂ.૩૧-૩૧ હજારનો દંડ તેમજ તેમાંમાંથી રૂ. ૫૦ હજાર રેશમાબેનને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.









