મોરબી જીલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા રેઇડ કરી ૧૧ અને ૧૩ વર્ષીય બે બાળ મજૂરોને મજૂરી કરતા છોડાવ્યા.
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાં બાળ-મજૂરોને નોકરીએ રાખી તેના પાસે મજૂરી કરાવતા હોવાની બાતમીને આધારે મદદનીશ શ્રમ આયુક્તના અધિકારી સહિતની ટીમ દ્વારા રેઇડ કરી બે બાળ-મજૂરોને મુક્ત કરાવી રેસ્ટોરન્ટ માલીક સામે બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા મદદનીશ શ્રમ આયુક્તના સરકારી શ્રમ અધિકારી એમ.પી જોષી એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લડુ ગોપાલ રેસ્ટોરન્ટના સંચાલક આરોપી મહેશભાઈ નારણભાઇ કોઠારી રહે.૪૪ સત્કાર બંગલોઝ નાના ચીલોડા અમદાવાદવાળા વિરુદ્ધ બાળ મજૂરોને કામે રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબી જીલ્લા સરકારી શ્રમ અધિકારી દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ લડુગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાં બાળ મજૂરો રાખી તેની પાસે કામ કરાવી તેનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે જીલ્લા મદદનીશ શ્રમ આયુક્તની સૂચના મુજબ જીલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, જે રેઇડ દરમિયાન લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાંથી એક ૧૧ વર્ષીય દિવ્યેશ ભરતભાઇ ગરેજા અને એક ૧૩ વર્ષીય રામ આછોબાર બન્ને રહે.મોરબીવાળા છેલ્લા દોઢ મહિનાથી કાઉન્ટર ઉપર હેલોર તરીકે અને રેસ્ટોરન્ટમાં હેલ્પર તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું, આથી બંને બાળ મજૂરોને ત્યાંથી મુક્ત કરાવી સમાજ સુરક્ષા અધિકારીને સુપ્રત કરાયા હતા જે મુજબની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનના માલીક આરોપી મહેશભાઈ કોઠારી વિરુદ્ધ બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.