ગરીબોને ભોજન આપતા બચુબાપાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ખાતે આવેલી બચુબાપાની અન્નપૂર્ણા હોટલની જગ્યાએ બે આવરાતત્વોએ ઘૂસી જઈને બટાકા-મરચાં ફેંકી દઈ નુકસાન કરી, બચુબાપાને અપશબ્દો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે બચુબાપાની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બન્ને આરોપીઓની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટક કરી લીધાનું જાણવા મળ્યું છે.
મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ વર્ષોથી અન્નપૂર્ણા હોટલ ચલાવતા ૮૧ વર્ષના બચુભાઇ ઉર્ફે બચુબાપા ગામી જે ગરીબોને ભોજન કરાવવાનું સેવા કાર્ય કરે છે, ત્યારે તેમની આ હોટલની જગ્યાએ બે આવારા-લુખ્ખા તત્વો મુસ્તાક ફતેમહમદ કટીયા રહે. મોરબી રણછોડનગર તથા એઝાઝ મુસ્લિમ રહે. મોરબી લાયન્સનગર વાળા એમ બન્નેએ આવી તેમની હોટલમાં તોડફોડ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો હતો.
જેમાં હોટલમાં કામ કરતા નસીમબેન અને બચુબાપા પાણી ભરી રહ્યા હતા ત્યારે, પાસે આવેલી ચાની હોટલ પાસે મુસ્તાક ફતેમહમદ કટિયા અને એઝાઝ ઉભા હતા. ત્યાં નસીમબેન સાથે બોલાચાલી કરતા હતા. જે બાદ બંને ગુંડાતત્વો હોટલની જગ્યાએ આવી નસીમબેનને કહેતા હતા કે રૂપિયા આપવા પડશે અને બચુબાપાને પતાવી દેવાના છે, એમ કહી હોટલમાં રાખેલ મરચા-બટેકા ફેંકી દઈ નુકસાની કરી ધમકી આપતા હોય ત્યારે બચુબાપા ત્યાં આવી જતા, તેમને બન્ને ઇસમોને પોલીસને ફરિયાદ કરવાની વાત કરતા, બન્ને ઈસમો એકદમ ઉશ્કેરાઈ બચુબાપાને ગાળો આપી છરી બતાવી ધમકી આપી કે પોલીસ ફરિયાદ કરી તો “જાનથી મારી નાખીશ”. જે બાદ તુરંત બચુબાપાએ પોલીસ ફરિયાદ કરતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.