મોરબી ટાઉન વિસ્તારમાં પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી નજર ચુકવી રોકડ ચોરી કરનાર ટોળકીના બે ઇસમોને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધા હતા. આ સાથે આરોપીઓ પાસેથી ચોરી કરેલ રોકડા રૂ.૧૨,૦૦૦/- અને રીક્ષા મળી કુલ રૂ.૮૨,૦૦૦/-નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોરબીમાં ગત તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારના અગીયારેક વાગ્યે મોરબી શહેરના શનાળા રોડ, ઉમીયા સર્કલ નજીક વૃદ્ધને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા. મુસાફરી દરમિયાન રીક્ષામાં બેઠેલ ચાલક સહિત ત્રણ અજાણ્યા ઈસમોએ મુસાફરની નજર ચુકવી તેના પેન્ટના ખીસ્સામાં રહેલા રોકડા રૂ.૧૨,૦૦૦/- ચોરી કરી રીક્ષા સાથે નાસી ગયા હતા.
આ બાબતે મોરબી સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ઉપરોક્ત ગુનો ઉકેલવા માટે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો ટીમે નેત્રમ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ શરૂ કરી અને હ્યુમન સોર્સીસ મારફતે માહિતી એકત્ર કરી હતી. તપાસ દરમિયાન ખાનગીરાહે હકિકત મળી કે રાજકોટના બે શખ્સ મોરબી આવ્યા છે અને હાલ વીસી હાઈસ્કૂલ મંગલભુવન રોડ પાસે ઓટો રીક્ષા જીજે-૦૩-સીટી-૦૨૨૦ માં મુસાફરોને બેસાડી તેમના ખીસ્સામાંથી પૈસા ચોરી કરતા હોય છે. જેથી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા અને સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર બંનેને ઝડપી લઈ તેમની પૂછપરછ દરમ્યાન તેઓએ સ્વીકાર્યું કે દસેક દિવસ પહેલા તેઓ ત્રીજા સાથી અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા સાથે મળીને ઉમીયા સર્કલથી એક વૃદ્ધ પેસેન્જરને રીક્ષામાં બેસાડી ગાંધી ચોક તરફ લઈ જતા રસ્તામાં સ્પીડ બ્રેકર નજીક તેના ખીસ્સામાંથી રૂ.૧૨,૦૦૦/- રોકડની ચોરી કરી હતી.
આ સાથે પોલીસે આરોપીઓ નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા રહે. ભગવતીપરા રાજકોટ, સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે. ભગવતીપરા રાજકોટ વાળા પાસેથી ચોરી કરેલ રૂ.૧૨,૦૦૦/- રોકડ અને રૂ.૭૦,૦૦૦/-ની કિંમતની રીક્ષા મળી કુલ રૂ.૮૨,૦૦૦/-નો મુદામાલ કબજે કર્યો છે. બંન્ને આરોપીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે હાજર નહિ મળી આવેલ આરોપી અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા રહે. ભગવતીપરા રાજકોટ વાળાને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ આરોપીઓ પેસેન્જરને રીક્ષામાં બેસાડી મુસાફરી દરમિયાન તેમની નજર ચુકવી ખીસ્સામાંથી રોકડ રકમ ચોરી લેવાની ટેવ ધરાવે છે.