મોરબી શહેરને અસામાજિક તત્વોએ ફરી બાનમાં લીધું હોય તેવા એક બનાવમાં પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ નજીક પગપાળા જઈ રહેલા યુવક ઉપર છરી અને લોખંડના પાઇપ વડે બે શખ્સો તૂટી પડ્યા હતા, જે હુમલામાં યુવકને વાસામાં છરી ફસાઈ ગયી હતી, જે ઓપરેશન કરી છરી બહાર કાઢવામાં આવી હતી. હાલ ભોગ બનનાર યુવકે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના કુલીનગર-૧ માં ભાડેથી રહેતા વિશ્વાસભાઈ કાનજીભાઈ પાટડીયા ઉવ.૩૧ એ આરોપી અમિત દિલીપભાઈ સારલા રહે.મોરબી યમુનાનગર શેરી નં.૩ તથા આરોપી અસરફખાન હફિજઉલ્લા પઠાણ રહે. સિપાઈવાસ મોરબી વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ગઈ તા.૧૦/૦૬ ના રોજ રાત્રીના ૯ વાગ્યા આસપાસ ફરિયાદી વિશ્વાસભાઈ પોતાના સંબંધીના ઘરે પગપાળા જઈ રહ્યા હોય તે દરમિયાન ઉપરોક્ત બન્ને આરોપીઓ ત્યાં મળી જતા, જ્યાં આરોપી અમિતે ફરિયાદી વિશ્વાસભાઈને કહ્યું કે ‘કોપર ચોરીમાં મને પકડાવવા તે જ પોલીસને બાતમી આપી હતી’, તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ત્યારે વિશ્વાસભાઈએ ગાળો આપવાની ના કહેતા, આરોપી અમિતે પોતાના પાસે રહેલ છરી વડે વિશ્વાસભાઈને મારવા જતા, તેઓ ત્યાંથી ભાગી ગયા હતા, ત્યારે આરોપી અમીતની સાથે રહેલ તેનો મિત્ર આરોપી અસરફખાને લોખંડના પાઈપ વડે હાથ પગ તથા માથામાં ઘા મારતા, વિશ્વાસભાઈ નીચે પડી ગયા હતા, આરોપી અમિતે છરીનો એક ઘા વિશ્વાસભાઈના વાસામાં મારતા, છરીનો હાથો તૂટી ગયો અને છરી વિશ્વાસભાઈના વાસામા ફસાઈ ગઈ હતી, ત્યારે દેકારો થતા બન્ને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વિશ્વાસભાઈને સારવાર માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, જ્યાં ઓપરેશન કરી ફસાઈ ગયેલ છરી બહાર કાઢવામાં આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે વિશ્વાસભાઈની ફરિયાદને આધારે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની અટકાયત કરવા શોધખોળ શરૂ કરી છે.