એલસીબી પોલીસે કાર તથા વિદેશી દારૂ મળી કિ.રૂ. ૮૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી એલસીબી/પેરોલ સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ધરમપુર ગામના નાલા નજીક રોડ ઉપર વોચમાં હોય તે દરમિયાન અલ્ટો કારમાં વિદેશી દારૂની ૩૦ બોટલ લઈ નીકળેલ બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલ બંને આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂ મંગાવનાર આરોપીના નામની કબુલાત આપવામાં આવતા હાલ એલસીબી પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે ધરમપુર ગામ તરફથી સિલ્વર કલરની અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો આવનાર છે, જેથી તુરંત પોલીસ ધરમપુર ગામના નાલા પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત મળેલ બાતમી મુજબની સિલ્વર કલરની અલ્ટો રજી. નં. જીજે-૦૩-સીઆર-૨૭૫૯ ત્યાંથી પસાર થતા અલ્ટો કારને રોકી તેમાં તલાસી લેતા વિદેધી દારૂ બ્લેન્ડર પ્રાઈડ વ્હિસ્કીની ૩૦ બોટલ કિ.રૂ.૩૩,૨૧૦/-મળી આવી હતી આથી તુરંત અલ્ટો કાર ચાલક આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ ઉવ.૩૪ રહે. મોરબી નવલખી રોડ શ્રધ્ધા પાર્ક શેરી નં.૪ તથા આરોપી વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.૨૧ રહે.મોરબી નવલખી રોડ શ્રધ્ધા પાર્ક શેરી નં.૪ મૂળરહે.મોડા ગામ જી.જામનગર ની અટક કરવામાં આવી હતી, પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો માલ આરોપી મયુર બટુકભાઈ વાઘેલા રહે.ધરમપુર રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાએ મંગાવેલ તેને આપવા જતા હોવાની કબૂલાત આપી છે. જેથી ઉપરોક્ત આરોપીને ફરાર દર્શાવી એલસીબી પોલીસે વિદેશી દારૂ અલ્ટો કાર સહિત ૮૩,૨૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.