૧૦ દિવસ પૂર્વે બનેલ બનાવમાં તાલુકા પોલીસે ચાર માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધી
મોરબીમાં તાલુકા પોલીસ મથકની હદમાં બનેલ ચકચારી બનાવમાં આખરે ચાર માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં દસ દિવસ પૂર્વે મોરબી-જેતપર રોડ ઉપર શિવશક્તિ હોટલના સંચાલકે થુંકવાની ના પાડતા આવેલ માથાભારે શખ્સો દ્વારા છરી, લાકડાના ધોકા સહિત તેને માર મારવામાં આવ્યો હોય જે દરમિયાન છોડાવવા આવેલ અન્ય એક યુવકને પણ માર મારવામાં આવ્યો હતો, ત્યારે બનાવ અંગે ૧૦ દિવસ બાદ લુખ્ખાતત્વો સામે આખરે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.
મોરબી તાલુકાના ચકમપર(જીવાપર) ગામે રહેતા અને મોરબી-જેતપર રોડ એ.બી.સી સીરામીક સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં શિવશક્તિ હોટલ ધરાવતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ લખમણભાઈ ગમારા ઉવ.૩૨ એ આરોપી ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ તથા અન્ય અજાણ્યા ત્રણ શખ્સો એમ કુલ ચાર આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૫/૧૨ના રોજ રાત્રીના ત્રણ વાગ્યે આરોપી ભુપેન્દ્ર જયસુખભાઇ વાઘેલા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ આરોપીઓ કાળા કલરનું એક્ટીવા તથા એક મોટર સાયકલ લઇ કાનજીભાઈની હોટલે આવી નાસ્તો કરીને બાજુમાં આવેલ ચા ના ઓટા પાસે તાપણા પાસે બેસીને થુંકતા હોય જેથી ફરીયાદીએ આ ચારેય આરોપીઓને થુંકવાની ના પાડતા ચારેય આરોપીઓએ કાનજીભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગ્યા હતા જે બાદ આરોપી ભુપેન્દ્રએ છરી બતાવી એક અજાણ્યા આરોપીએ લાકડાના ધોકા વડે જમણા પગમાં તથા ખંભા પાસે માર મારી મુંઢ ઇજા કરી ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે કાનજીભાઈને ચારેય આરોપીઓ માર મારતા હોય ત્યારે દીલીપભાઇ ત્રીભોવનભાઇ કાચરોલા નામનો યુવક છોડાવવા વચ્ચે પડતા ચારેય આરોપીઓએ તેને પણ મુંઢ માર માર્યો હતો, હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.