મોરબીના ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીમાં ૧૫ વર્ષથી રોડ, ગટર અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. સતત રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા રહેવાસીઓએ તંત્રને આવેદનપત્ર આપી ૮ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીંતર રસ્તા જામ કરવાની ચેતવણી આપી છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં આવેલી રામકો વિલેજ સોસાયટી વર્ષ ૨૦૦૯માં બની છે, પરંતુ ત્યારથી આજ સુધી અહીંના રહીશો મૂળભૂત પાયાની સુવિધાઓ વગર જીવી રહ્યા છે. સોસાયટીમાં રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાનું સ્વચ્છ પાણી, પાણીની લાઈનો અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ જેવી જરૂરિયાતોનું કોઈ નિરાકરણ ન આવતાં લોકો હાલાકીભર્યું જીવન જીવવા મજબુર થયા છે.
રામકો વિલેજ સોસાયટીના રહેવાસીઓએ આ અંગે ગ્રામ પંચાયત, સરપંચ, તાલુકા તંત્ર, ધારાસભ્ય, જીલ્લા કલેક્ટર સહિત દરેક સ્તરે અનેક રજૂઆતો કરી છે, પરંતુ હકિકતમાં સ્થિતિ યથાવત છે. લાંબા સમયથી ચાલી રહેલી અવગણના સામે વિરોધના સ્વરૂપે સોસાયટીમાં અનોખો ‘કીચડ-રમોત્સવ’ પણ યોજાયો હતો, જેની ચર્ચા સમગ્ર જીલ્લામાં થઈ હતી. પરંતુ આ વિરોધનો ઊલટો ફટકો એવો પડ્યો કે છેલ્લા ૩૦ દિવસથી ડોર-ટુ-ડોર કચરો ઉઠાવતી ટ્રેક્ટર સેવા બંધ કરી દેવાઈ છે, જેના કારણે સોસાયટીમાં સ્વચ્છતાની સ્થિતિ બદથી બદતર બની ગઈ છે. કચરાના ઢગલા, કીચડ ભરેલા રસ્તા, મચ્છરનો ઉપદ્રવ અને દુર્ગંધ, આ બધું જ રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે.
હવે રહીશો ફરી એક વખત સંગઠિત થઈ તંત્રને આવેદન પત્ર આપી ૮ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, “જો અમારી સોસાયટીમાં મૂળભૂત પાયાની સુવિધાઓ આપવામાં નહીં આવે તો અમારે રસ્તા જામ કરવાનો માર્ગ અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નહિ રહે. તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.” હાલ તંત્ર આગળ હવે આ પ્રશ્નનો ઉકેલ કેટલા સમયમાં થાય છે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.









