યજ્ઞ, ભજન-ગરબા, સ્નેહમિલન, સેવાકીય પ્રકલ્પોની જાહેરાત અને ઉમા સંસ્કાર દર્શન અંક વિમોચન સાથે મોરબીમાં સેવાભાવ અને સંસ્કારનો મહોત્સવ.
મોરબીના ઉમા સંસ્કાર ધામ ખાતે પ્રથમ પાટોત્સવ ભવ્ય કાર્યક્રમોની ઉજવણી સાથે પૂર્ણ થયો હતો. ૧૧ અગિયાર કુંડી હવન, ૧૦૦૦થી વધુ બહેનો દ્વારા આનંદનો ગરબો, મોટા પાયે સ્નેહમિલન, સેવાકીય પ્રકલ્પોની વિગત રજૂઆત, “ઉમા સંસ્કાર દર્શન” ત્રિમાસિક અંક વિમોચન, રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન અને રાસ-ગરબાની રમઝટ એમ સમગ્ર દિવસમાં ઉત્સવી માહોલ છવાયો હતો. સમાજની અનેક પ્રતિભાઓ, દાતાઓ અને અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
મોરબી જીલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત ઉમા સંસ્કાર ધામના પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન રાજકોટ હાઈવે પર સ્થિત આ ભવ્ય સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન અનેક સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ઓળખાયેલી આ સંસ્થા દ્વારા પ્રથમ પાટોત્સવને સમાજના ઉત્સવમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો.
આ પાટોત્સવના પ્રારંભમાં પ્રભાતે સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી અગિયાર કુંડી હવન-જપ-તપ યજ્ઞ યોજાયો હતો. મોટી સંખ્યામાં કડવા પાટીદાર પરિવારો યજ્ઞમાં જોડાયા અને સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. બપોરે ૨થી સાંજે ૫ વાગ્યા સુધી ૧૦૦૦ જેટલી બહેનોએ આનંદનો ગરબો ગાયો હતો. સાંજે ૫ વાગ્યે સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજ આગળ વધારતા અનેક મુકામોની વિગત રજૂ કરવામાં આવી હતી. ઉમા આદર્શ લગ્ન યોજનામાં પ્રથમ વર્ષમાં જ ૩૮૯ લગ્ન સફળતાપૂર્વક યોજાયા હતા. ઉમા હોલમાં ૨૬૭ પ્રસંગોમાં લગ્નો, રાંદલ ઉત્સવ વગેરેની આવક આદર્શ લગ્નમાં વપરાય છે. ૩૬ રૂમનું આધુનિક એસી ગેસ્ટહાઉસ, ઉમા મેડિકલ સ્ટોર-રાહતદરે દવાઓ, ઉમા લેબોરેટરી- નીચી કિંમતે રિપોર્ટ સુવિધા, ઉમા ક્લિનિક- રાહતદરે સારવાર. કોરોના કાળ દરમિયાન ૨૦૦૦ જેટલા દર્દીઓની સેવા, અમદાવાદમાં ૧૪૪ દીકરીઓ માટે સુરક્ષિત, આધુનિક હોસ્ટેલ. આ સિવાય જલ્દી જ ૭૦૦ વિદ્યાર્થીઓ માટે ભવ્ય છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત પાટીદાર કેરિયર એકેડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૩૫૪ તાલીમાર્થી, ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ૩૯૪, બ્યુટી પાર્લર તાલીમમાં ૧૭૦, કમ્પ્યુટર તાલીમમાં ૭૫, ધોરણ ૯ થી સ્નાતક સુધી- ૭,૦૦૦ જેટલી દિકરીઓને અભ્યાસ, પાટીદાર જન-સેવા કેન્દ્રમાં ૫૮ દિવસમાં ૮૫૦ અરજીઓની પ્રક્રિયા. સેવાનો આ વિશાળ વ્યાપક દૃશ્ય સમાજમાં ઉમા સંસ્કાર ધામનું સ્થાન અત્યંત વિશિષ્ટ કરે છે. ત્યારે તાજેતરમાં મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રાજ્ય મંત્રી તરીકે નિમણૂક થવા બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમા સંસ્કાર ધામની સેવાઓને સરાહતાં જણાવ્યું કે મોરબી જીલ્લાના સામાજિક ઉત્થાન માટે આ સંસ્થા ઉત્તમ કાર્ય કરી રહી છે. આ સિવાય ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પો, પ્રેરક લેખો, પ્રતિભાશાળી યુવા, પાટીદાર સંસ્થાઓની ઓળખ અને સમાજઉન્નતિના વિષયો ધરાવતા ત્રિમાસિક અંક “ઉમા સંસ્કાર દર્શન” નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પટોત્સવમાં સિદસર ઉમિયા ધામ, અમદાવાદ સહિત અખિલ ભારતીય પાટીદાર સમાજના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના પ્રતિનિધિઓ, સમાજના દાતાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં પરિવારોએ ઉપસ્થિતિ આપી હતી. બેચરભાઈ હોથી, ત્રમ્બકભાઈ ફેફર, દિનેશભાઈ વડસોલા, જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક અગ્રણીઓએ સેવાકીય કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી. સ્નેહમિલન બાદ મહાપ્રસાદનું આયોજન અને રાત્રે રાસ-ગરબાની રમઝટ સાથે સમગ્ર સમારોહ આનંદમય વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ આયોજન માટે બેચરભાઈ હોથી(પ્રમુખ), ત્રમ્બકભાઈ ફેફર (ઉપપ્રમુખ), એ.કે. પટેલ, અરુણભાઈ વિડજા, દિનેશભાઈ વડસોલા અને એમ.વી. દલસાણીયા સહિતની ટીમે આયોજનને સફળ બવનવવા જહેમત ઉઠાવી હતી.









