મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ના કાર્યક્રમ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી બદલ લખધીરપુર ગ્રામ પંચાયત સરપંચ ચાંદરિકાબેનનું જીલ્લા કલેક્ટર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબીમાં નારી વંદન ઉત્સવ-૨૦૨૪ અન્વયે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ કે જેમણે ગામમાં દીકરીના જન્મ ઉપર પરિવારને રૂ.૧,૧૧૧/- ભેટ સ્વરૂપે આપવાની પ્રેરણાત્મક જાહેરાત કરી બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને ચરિતાર્થ કરવા અથાગ પ્રયાસો કર્યા હતા. જે બદલ ચંદ્રિકાબેનને અગાઉ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અભિવાદીત કરી શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો હતો. જ્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચંદ્રિકાબેનની આ પ્રેરણાત્મક સામાજિક અને રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા ચંદ્રિકાબેનને સન્માન-પત્ર આપી જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્ર આપનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવે છે. આપ ભવિષ્યમાં પણ સમાજને સહાયરૂપ બનતા રહો તેમજ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાસહ સન્માન-પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.