મોરબી: વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા જાગૃતિ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને “સપ્ત શક્તિ સંગમ” મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ગત રવિવારે તા. ૧૪ ડિસેમ્બરના રોજ “સપ્ત શક્તિ સંગમ” મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ મહિલાઓમાં જાગૃતિ લાવવી તેમજ સમાજમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બને તે માટે મહિલાઓને સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર આત્મીય સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરાયેલા સમૂહગીતે સમગ્ર વાતાવરણને પ્રેરણાદાયી બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ તથા વક્તાઓના વિચારસભર વક્તવ્ય, પ્રશ્નોત્તરી સત્ર, પ્રેરણાદાયી મહિલાઓના સંદેશ, એકપાત્રીય અભિનય તેમજ મહિલાઓના અનુભવ કથન જેવા વિવિધ આયામો રજૂ કરવામાં આવ્યા હતા, જે મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
આ સંમેલનમાં સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે ક્ષણે ઉપસ્થિત તમામ મહિલાઓને ગૌરવની લાગણી અનુભવાઈ હતી. કાર્યક્રમના અંતે મહિલાઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા તથા પોતાની શક્તિઓને ઓળખી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોની મહિલાઓ સહિત કુલ ૨૫૦થી વધુ મહિલાઓની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે યોજાયેલ આ સંમેલનને સફળ બનાવવા સાર્થક વિદ્યામંદિરના મહિલા કાર્યકર્તાઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.









