રખડતા ઢોર, ખખડધજ રોડ રસ્તા, પાણીની પળોઝણ, પ્રદુષિત હવા, ભૂગર્ભ ગટરનો અભાવ સહિતની અનેક સમસ્યાથી મોરબી નગરપાલિકા ઘેરાયેલું છે જેમાં ગંદકીએ મોરબીવાસીઓના લમણે લખાયેલી સમસ્યા હોય તેમા મોરબીના મોટા ભાગના વિસ્તારો ગંદકીમાં ગળાડૂબ છે. ત્યારે મોરબીમાં વોર્ડ નંબર ૧૨ના ભાજપના સુધરાઇ સભ્યના ઘર પાસે છેલ્લા ચાર દિવસથી ભૂગર્ભ ગટર છલકાતું હોવાથી આ સમસ્યા ઉકેલવા ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.
મોરબી શહેરના વોર્ડ નં. ૧૨માં આવેલા રામદેવપીરના મંદિર નજીક આવેલ ભાજપના એક ચૂંટાયેલા સદસ્યોના ઘર પાસે જ ભૂગર્ભ ગટર ગંગા છેલ્લા ચારથી પાંચ દિવસથી વહી રહી છે. મંદિરની આસપાસ ગટરના ગંધાતા પાણી વહેતા હોવાથી લોકોને દર્શને જવું દોહલ્યું બન્યું છે.
આ સમસ્યાના ઉકેલ અંગે અવારનવાર મોરબી નગરપાલિકાને ભૂગર્ભ ગટર સાફ કરવા લોકોએ રજૂઆત કરેલ પરંતુ વોર્ડ નંબર ૧૨માં ભાજપના ચૂંટાયેલા સદસ્યો ચેરમેન છે છતાં કામકાજ આડે ગ્રહણ લાગી રહ્યું છે. ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેન રોડ પર ચોમાસાના વરસાદના પાણી જેવા દ્રશ્યો સર્જાતા હોવાથી વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભાજપનાં સદસ્ય ના ઘર પાસે ઉભરાતી ગટરના પાણીનો આખા વિસ્તારમાં ફરી વળતા હોય તો આમ પ્રજાની શું પરિસ્થિતિ થતી હશે ? આ સમસ્યાનો ઉકેલ લાવવા અંતમાં રમેશભાઈ રબારીએ માંગ ઉઠાવી છે.