મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચાલી રહેલા બ્રિજના પિલર કામને કારણે પાણીની લાઈનનું સીફટીંગ કરવું આવશ્યક બન્યું છે. આ કામગીરી ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેશે. જે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આગોતરા તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બ્રિજનું બાંધકામ હાલ ચાલુ છે. બ્રિજના પિલર ઉભા કરવાના કામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન વચ્ચે નડતરરૂપ બનતાં તેને ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ માટે મહાનગરપાલિકા વોટર શાખા દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બરથી તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી પાણીની લાઈન સીફટીંગ કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાશે, જેમાં ખાસ કરીને સામાકાઠે કેશરબાગ અને નઝરબાગ હેડવર્કસમાંથી બે દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે ઉમા ટાઉનશીપ હેડવર્કસમાંથી ત્રણ દિવસ પાણીની સપ્લાય બંધ રહેશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને આ બાબતે નોંધ લેવા અપીલ કરી છે.