મોરબી શહેરના શનાળા રોડ સ્થિત કલરવ હોસ્પિટલ ખાતે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પ્રસૂતિ પીડાથી પીડાતી મહિલાને હોસ્પિટલની સીડીઓ ચડાવતી વખતે અચાનક આચકી આવતા તે બેભાન થઇ ગઈ હતી. ત્યારે ડૉક્ટરે તપાસ કરતાં મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળક બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશને અકસ્માતે મોતની નોંધ કરી છે.
મોરબીના શનાળા રોડ સ્થિત હદાણીની વાડી વિસ્તારમાં રહેતા મહીપતભાઈ લાધાભાઈ કંઝારિયાના પત્ની કિર્તીબેન કંઝારિયા ઉવ.૨૯ ગર્ભાવસ્થામાં હોય ત્યારે ગઈકાલ તા. ૧૯ એપ્રિલના રોજ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. જેથી કીર્તિબેનને શનાળા રોડ પર આવેલી કલરવ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલની સીડીઓ પર ચઢતી વખતે કિર્તીબેનને અચાનક આચકી આવતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ સમયે હોસ્પિટલમાં હાજર ડૉક્ટરે જોઈ તપાસી કિર્તીબેન અને તેના ગર્ભમાં રહેલા બાળક બંને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. મૃતકની ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાંથી રાજકોટ ફોરેન્સિક સેન્ટરે રિફર કરવામાં આવ્યા હતા. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે સંવેદનશીલ બનાવમાં અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.