હુમલાખોર પિતા-પુત્રો વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના ધુળકોટ ગામમાં એક મહિલા સાથે અગાઉ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કર્યો હોવાનો રંજ રાખી ગામના જ ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી માર મારવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય હુમલાખોર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા ફરીયાદી નિમુબેન રમણિકભાઈ પરમાર ઉવ.૪૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી જેરામભાઇ ચકુભાઇ રાઠોડ, નરેશભાઇ જેરામભાઇ રાઠોડ તથા લાલભાઇ જેરામભાઇ રાઠોડ રહે ત્રણેય ધુળકોટ તા.
જી. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી નિમુબેન આજથી એકાદ માસ પહેલા પોતાના ધુળકોટ ગામે આવેલ સ્વામીનારાયણ ભગવાનના મંદીરમા ગયેલ હોય તેનો ખાર રાખી ગઈ તા.૨૯/૦૭ના રોજ ધુળકોટ ગામની સીમમાં જેરામભાઇ ચકુભાઇ રાઠોડની વાડીએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ એક સંપ કરી જાતિપ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો બોલી કહેલ કે, આને આપણા મંદીરમા પ્રવેશ કર્યો હતો. એમ કહી ત્રણેયના હાથમા રહેલ સોરીયાના હાથા વડે ફરીયાદી નિમુબેનના વાસાના ભાગે માર મારી કહેવા લાગ્યા કે ‘હવે આને મુકવી નથી’ તેમ કહી ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે