Thursday, January 8, 2026
HomeGujaratમોરબી: સિરામિક ઉદ્યોગને રાહત આપવા મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત

મોરબી: સિરામિક ઉદ્યોગને રાહત આપવા મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત

EPCG યોજનામાંથી એવરેજ એક્સપોર્ટ ઓબ્લિગેશન (AEO) દૂર કરવાની માગ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનની રજૂઆત.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરી EPCG યોજનાની કલમ-૫ હેઠળ લાગુ એવરેજ એક્સપોર્ટ ઓબ્લિગેશન (AEO) દૂર કરવા અથવા તેમાં રાહત આપવા માગ કરવામાં આવી છે. સાથે જ અમેરિકા, યુરોપિયન યુનિયન, ગલ્ફ દેશો અને યુકે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં લાગતા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને ઊંચા ટેરિફના કારણે સિરામિક નિકાસને પડતી મુશ્કેલીઓથી અવગત કરાવી, સિરામિક ઉદ્યોગના હિતમાં કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દા પહોંચાડવા અને યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન તરફથી મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં EPCG (Export Promotion Capital Goods) યોજનાની કલમ-૫ હેઠળ સિરામિક ઉદ્યોગ માટે લાગુ કરવામાં આવતી એવરેજ એક્સપોર્ટ ઓબ્લિગેશન (AEO)ની શરત દૂર કરવા અથવા તેમાં નોંધપાત્ર રાહત આપવા માગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ભારતીય સિરામિક ઉદ્યોગ મૂડીપ્રધાન અને નિકાસ આધારિત ઉદ્યોગ છે, જેમાં વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે દર ૫થી ૭ વર્ષે પ્લાન્ટ અને મશીનરીનું આધુનિકીકરણ જરૂરી બને છે. EPCG યોજના ટેકનોલોજી અપગ્રેડેશન માટે મદદરૂપ રહી છે, પરંતુ એવરેજ એક્સપોર્ટ ઓબ્લિગેશનની શરત હાલના વૈશ્વિક વેપાર માહોલમાં ઉદ્યોગ માટે મોટી અડચણ બની છે. એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે ભારતીય સિરામિક નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારોમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા ખાતે ઊંચા આયાત શુલ્ક, સેફગાર્ડ પગલાં અને ટ્રેડ રેમેડી એક્શનના કારણે ભારતીય સિરામિક ઉત્પાદનોની કિંમત વધી રહી છે. યુરોપિયન યુનિયનમાં સિરામિક ટાઇલ્સ પર લાગુ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને કડક નિયમોના કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે.

ગલ્ફ સહયોગી દેશો (UAE, સાઉદી અરેબિયા, કતાર વગેરે)માં વધતા કસ્ટમ ડ્યુટી, સર્ટિફિકેશનની કડક શરતો અને ભાવ આધારિત નિયંત્રણો ઉપરાંત અન્ય દેશોના સબસિડીયુક્ત ઉત્પાદનોની સ્પર્ધાએ ભારતીય નિકાસકારોને મુશ્કેલીમાં મૂક્યા છે. બ્રેક્ઝિટ પછી યુકે તથા અન્ય વિકસિત દેશોમાં ટેરિફમાં ફેરફાર, એન્ટી-ડમ્પિંગ તપાસ અને નોન-ટેરિફ અવરોધોના કારણે અનિશ્ચિતતા અને અનુપાલનનો ભાર વધ્યો છે. આ પરિસ્થિતિમાં ઇંધણ ખર્ચમાં વધારો, કાચા માલના ભાવમાં અસ્થિરતા અને ઊંચા ફ્રેટ દરોને કારણે સિરામિક નિકાસકારો માટે ઐતિહાસિક સરેરાશ નિકાસ જાળવવી તેમજ EPCG લાયસન્સ હેઠળ વધારાની નિકાસ બાંયધરી પૂરી કરવી અત્યંત મુશ્કેલ બની છે. ખાસ કરીને MSME અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ગંભીર આર્થિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. આથી એસોસિએશને માગ કરી છે કે સિરામિક ઉદ્યોગ માટે EPCG યોજનામાંથી એવરેજ એક્સપોર્ટ ઓબ્લિગેશનની શરત દૂર કરવામાં આવે અથવા તેમાં વ્યાપક રાહત આપવામાં આવે. આ પગલાંથી એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને વૈશ્વિક ટેરિફ અવરોધોથી થયેલા નિકાસ નુકસાનમાંથી ઉદ્યોગને રાહત મળશે, સમયસર આધુનિકીકરણ શક્ય બનશે અને ભારતીય સિરામિક ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.

સાથે જ યુરોપિયન યુનિયન, અમેરિકા, ગલ્ફ દેશો અને યુકે દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોના પ્રભાવને ઘટાડવા સંકલિત વેપાર અને નીતિગત પગલાં લેવા પણ માંગણી કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું છે કે જરૂરી હોય તો સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ ઉદ્યોગના આંકડા અને વિગતવાર રજૂઆત કરવા તેઓ તૈયાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!