મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજ રોજ મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ૨૦૦૦થી વધુ લોકો માટે દૂધપાક સાથે ભરપેટ ભોજન કરાવવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા સતત ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારમાં આવી જ રીતે સેવાભાવના અભિયાન ચલાવવામાં આવે છે.
મોરબી શહેરમાં દરેક તહેવાર અને જન્મદિનને પ્રેરણાત્મક સેવાકાર્યમાં પરિવર્તિત કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે પણ શ્રદ્ધા સાથે સેવાનો ઉત્તમ સંદેશ આપતો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા આશરે ૨૦૦૦ થી વધુ લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પુરી-ભાજીથી ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક અને મેન્ટોર ડૉ. દેવેનભાઈ રબારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અમે કશું મોટું કામ નથી કર્યું. આપણા સમાજમાં જ વસતા એવા બાળકો કે જે પોષણક્ષમ ભોજનથી વંચિત છે, તેમને દૂધપાક જેવા પૌષ્ટિક ભોજનથી તૃપ્ત કરવું એ માનવતા છે. લોકો શ્રાવણના સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે. પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવ્યા છીએ. દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધ એ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય અમારું ધ્યેય છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે, “જ્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ અર્પણ કરીએ છીએ ત્યારે એ જ દૂધ જો પીડાતા જીવ માટે આશીર્વાદરૂપ બને તો તે સાચી પૂજા ગણાય. દુઃખી જીવને ભોજન આપીને જો તેમનું હૃદય તૃપ્ત થાય તો ભગવાન શિવ જરૂર પ્રસન્ન થાય.. દૂધ ભગવાન સુધી જ નહીં, બાળકના હ્રદય સુધી પહોંચે એ મહત્વનું છે. દેવને દૂધ આપવું શાસ્ત્રોક્ત છે, પણ દુઃખી જીવને તૃપ્ત કરવું એ જીવંત ધર્મ છે. ભગવાનને ખુશ કરવા ઇચ્છો છો? તો પહેલું કામ છે – ભુખ્યા જીવને તૃપ્ત કરો. શિવ પછી આપમેળે રાજી થશે. વિજ્ઞાન અને સંવેદનાની સાતત્તિ ધરાવતા યુવાનોના હાથમાં જો શ્રદ્ધા અને સેવાની જ્યોત પ્રગટે, તો એ ભવિષ્યના માટે આશાવાદી ચિહ્ન છે.” ભગવાન શિવને આદરપૂર્વક સ્મરણ કરતા સાથે સમાજના પીડિત વર્ગને મદદરૂપ થવાનું જે કાર્ય છે, તે આજે જીવંત ઉદાહરણરૂપ બની ગયું છે. આ કાર્યક્રમ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપે ફરી એકવાર સાબિત કર્યું છે કે શ્રદ્ધા અને સેવા જ્યારે સાથે ચાલે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને છે