ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. જેને લઇ યંગ ઇન્ડિયા ગ્રુપે સોશિયલ એક્ટ કાર્યક્રમ થકી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે. અને પોસ્ટરો સાથે યુવાનોને ડ્રગ્સ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન સમયમાં સમાજમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા.
તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે. જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ ડ્રગ્સનું આપણા ગુજરાતનાં શહેરમાં ફેલાઈ રહ્યું છે. જો વહેલી તકે આ દુષણ સામે જાગૃતિ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેના ભયાનક પરિણામો જોવા મળશે. એટલે આ ડ્રગ્સનું દુષણ અજગરી ભરડો લઈ યુવાનો અને તેના પરિવારોને વેર વિખેર કરે તે પહેલાં તેને નાથવા માટે તમામ જાગૃત નાગરિકો અને સંસ્થાઓએ આગળ આવી જાગૃતિ ફેલાવવી જરૂરી છે. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી કોમલ ઠક્કરે સ્કાય મલ્ટીપ્લેક્સમાં સંઘવી એન્ડ સન્સના શોમાં હાજરી આપી હતી. તેઓએ લોકોનેં જણાવ્યું હતું કે, આ મુવી આપણી ભારતીય સંસ્કૃતિનેં ઉજાગર કરે છે, આપણા જીવનમાં પરિવારનું શું મહત્વ છે અને સયુંકત કુટુંબથી શું લાભ થતા હોય છે. તો વડીલો અને બાળકો સાથે મળીને આ મુવી અચૂક જોવું જોઈએ.