ઓડિટોરિયમ અને જાહેરબગીચાના પ્રોજેકેટમાં જનભાગીદારીની પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તૈયારી દર્શાવાઈ
મોરબી : મોરબી શહેરમાં જાહેર સુવિધાઓના અભાવ અને અગાઉના બજેટમાં જાહેર થયેલા ઓડિટોરિયમ અને જાહેર બગીચાઓના પ્રોજેક્ટ્સ મુદ્દે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા મોરબી મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. 07-03-2026 ના રોજ મુખ્યમંત્રીને આ રજૂઆત મોકલવામાં આવી છે.
સભાગૃહના નિર્માણમાં કાર્યમાં વેગ આપવાની માંગ
મોરબી શહેર છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે ઝડપથી વિકાસ પામી રહ્યું છે, પરંતુ તે મુજબ જાહેર સુવિધાઓનો સંતુલિત વિકાસ થયો નથી. અગાઉના બજેટમાં નાગરિકોની સુવિધા માટે સભાગૃહના નિર્માણ અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. દેવેન રબારીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે નાગરિકોને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે સુલભ સુવિધા મળી રહે તે હેતુથી આ સભાગૃહના પ્રોજેકટને તાત્કાલિક ગતિ આપવામાં આવે અને તેને આગામી બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવે.
સબ જેલ વિસ્તારમાં જાહેર બગીચો અને દોડમાર્ગ વિકસાવવા સૂચન
સભાગૃહ ઉપરાંત, મોરબી શહેરના સબ જેલ રોડ નજીક આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રની ઉપલબ્ધ જમીનનો યોગ્ય ઉપયોગ કરવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. આ જગ્યા પર જાહેર બગીચો, રમત-ગમતના સાધનો તથા દોડમાર્ગ (વોકિંગ ટ્રેક) વિકસાવવામાં આવે તેવી માંગ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરાઈ છે.
પછાત વિસ્તારોમાં સમાન વિકાસ અને પર્યાવરણની જાળવણી પર ભાર
રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે, હાલમાં શહેરના અમુક વિસ્તારોમાં જ સુવિધાઓ વધુ કેન્દ્રિત છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નાગરિકો મૂળભૂત જાહેર સુવિધાઓથી વંચિત છે. શહેરના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે પછાત વિસ્તારોમાં પણ સુવિધા વધારવી અત્યંત જરૂરી છે. આવા પ્રોજેક્ટ્સથી નાગરિકોના આરોગ્યમાં સુધારો થશે, પર્યાવરણ જળવાશે અને શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
જાહેર હિતના કાર્યોમાં યંગ ઇન્ડિયા ગ્રુપનો સહયોગ
આ જાહેર હિતના પ્રોજેક્ટ્સમાં યંગ ઇન્ડિયા ગ્રુપ જનસહભાગિતાના આધારે સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. દેવેન રબારીએ ખાતરી આપી છે કે જો તંત્ર દ્વારા આ દિશામાં નક્કર પગલાં લેવામાં આવશે તો સંસ્થા સક્રિય રીતે જોડાશે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ત્વરિત કાર્યવાહીના આદેશ
આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી એન્જિનિયરને પત્ર મોકલીને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે.









