બાઇક સ્લીપ થઈ જતા બાઇકમાં રાખેલ બંદૂકમાંથી ફાયરિંગ થતા,યુવક ગોળીનો શિકાર બની ગયો!
માળીયા(મી)ના વવાણીયા ગામે મિસ-ફાયરિંગની ઘટનામાં મોરબીના યુવકનું મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વવાણીયા ગામની સીમમાં બાઇક લઈને શિકાર કરવા ગયેલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા યુવકનું કોઈ કારણોસર બાઇક સ્લીપ થતા બાઇકમાં રાખેલ બંદૂકમાંથી ફાયરિંગ થતા યુવકનું મોત નીપજ્યું હતું, હાલ પોલીસ તપાસ ચાલુ છે.
માળીયા(મી) પોલીસ મથકથી મળેલ માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપરા શેરી ન.૧૦ માં રહેતા વસીમભાઈ ગુલામહુશેન પીલવાડીયા ઉવ.૩૮ ગઈકાલ તા.૦૨/૦૨ ના રોજ સાંજના સુમારે માળીયા(મી)ના વવાણીયા ગામની સીમમાં બાઇક લઈને શિકાર કરવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતા, બાઇકમાં રાખેલ બંદૂકમાંથી મિસ-ફાયરિંગ થયું હતું, જે ફાયરિંગ થતા વસીમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે મૃતકની લાશ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે.
હાલ સમગ્ર મૃત્યુના બનાવમાં મરણ ગયેલ યુવક કોની સાથે શિકાર કરવા ગયો હતો? બંદૂક પરવાના વાળી હતી ? જેવી અનેક બાબતો અંગે પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ બનાવ અંગે એફઆઈઆર નોંધવા પણ તજવીજ ચાલુ હોય જે બાદ વધુ વિગતો સામે આવશે.