ક્રિકેટ સટ્ટામાં રૂપિયા ૩ લાખનું દેવુ બતાવી તેની ઉઘરાણી સબબ ધમકી આપી અપહરણ કર્યું.
મોરબીમાં વિનાયક હોન્ડાના શો રૂમમાં નોકરી કરતા વંશભાઈ ઉભડીયાએ ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ યુવકને ક્રિકેટ સટ્ટામાં ફસાવી ૩ લાખ રૂપિયાના સોદા કરાવ્યા અને પૈસાની પઠાણી ઉઘરાણી કરી અપહરણ કરવામાં આવ્યું હતું.
મોરબીના ખેવારીયા ગામે રહેતા ૧૯ વર્ષીય વંશભાઈ મહેશભાઈ ઉભડીયાએ મોરબી પોલીસ સ્ટેશનમાં આરોપી શીવમ જારીયા, મહેશ ઉર્ફે રાહુલ ડાંગર, દિવ્યેશ રમેશભાઈ ડાંગર તથા એક અજાણ્યા શખ્સ તમામ રહે. ગજડી ગામ તા.ટંકારા વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શનાળા રોડ પર આવેલા વિનાયક હોન્ડા શોરૂમમાં નોકરી કરે છે. તેઓએ જણાવ્યું કે કેટલાક સમયથી શીવમભાઈ બાબુભાઈ જારીયા રહે.ગજડી તથા તેના મિત્ર મહેશ ઉર્ફે રાહુલ રામભાઈ ડાંગર રહે. ગજડી, તેમને ક્રિકેટ સટ્ટો રમવા માટે દબાણ કરતા હતા. આઇપીએલ ૨૦-૨૦ દરમ્યાન લાઇનગુરૂ એપ્લિકેશન થકી દરરોજના મેચના રન થાય કે નહીં એના સોદા વોટસએપ પર કરાવતા હતા. આ સોદામાં એક સમયે વંશભાઈને રૂ. ૧.૧૦ લાખ જીત્યા પણ શીવમભાઈએ વધુ રકમ જીતવા માટે મોટી રકમના સોદા કરવા દબાણ કર્યું હતું. જે બાદ વંશભાઈ ત્રણ લાખ રૂપિયા હરિ ગયાનું આરોપીઓએ જણાવ્યું હતું, અને આ રૂપિયા આપવા પડશે તે માટે ધમકીઓ આપતા હતા.
આ દરમિયાન ગઈકાલે તા.૧૫ મે ના રોજ સાંજના સમયે આરોપીઓએ વંશભાઈને કામધેનુ નજીકથી અટકાવી તેનો મોબાઇલ કબજે લઇ તેનું તેના જ એકટીવા મોપેડમાં અપહરણ કર્યું હતું, આરોપીઓએ એક્ટીવા ચલાવીને ચાચાપર, ખાનપર, ગજડી તરફ લઈ ગયા હતા. આ દરમ્યાન તેમના સગાંને ફોન કરીને અપહરણની જાણ કરવામાં આવી હતી. જે બાદ મોબાઇલ ફોનમાં પરીવારજનોના ફોન આવવાના ચાલુ થઈ જતા અંતે આરોપીઓએ વંશભાઈને મોરબી જેલ રોડ ઉપર જઈને મુક્ત કર્યો હતો. જે બાદ તુરંત વંશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ધમકી, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે