મોરબીમાં યુવકના લગ્નનાં બહાને ચાર શખ્સોએ યુવકના પરિવાર સાથે રૂ. ૨ લાખની રોકડ તેમજ દાગીના લઈ ઠગાઈ કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન કરવાના ૨ લાખ તેમજ ઘરની પુત્રવધુ તરીકે આપવામાં આવેલ સોના ચાંદીના દાગીના, મોબાઇલ એમ તમામ વસ્તુઓ માત્ર ત્રણ દિવસ પત્ની તરીકે રોકાઈને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. રૂપિયા ૨ લાખ લઈ લગ્ન કરી આપનાર બે તેમજ લગ્ન કરનાર યુવતી અને તેની માતા એમ ચાર આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના માધાપર શેરી નં. ૬ વિસ્તારમાં રહેતા મહેશભાઈ નવઘણભાઈ ડાભી ઉવ.૫૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી કનુભાઈ તથા હરેશભાઇ બન્ને રહે. શિકારપુર તા.ભચાઉ કચ્છ ટીમજ આરોપી મીનાક્ષી ઝાલા અને પ્રવિણાબેન ઝાલા બન્ને રહે. સુંદલપુરા ગામ તા.ઉમરેઠ જી.આણંદ વિરુદ્ધ ઠગાઈ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, ફરિયાદી મહેશભાઈએ તેમના દિકરા કાનજીના લગ્ન માટે પરિવારના મિત્રના ઓળખાણના આધારે આરોપી કનુભાઈ સાથે સંપર્ક થયો હતો. આરોપી કનુભાઈએ ૨ લાખ રૂપિયામાં લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. આરોપીઓ કનુભાઈ અને તેના ભાઈ હરેશભાઈએ ફરિયાદી મહેશભાઇના પરિવારને યુવતી મીનાક્ષી ઝાલા અને તેના માતા પ્રવિણાબેન સાથે મેળવ્યા અને બાદમાં મહેશભાઈ તેમના દીકરાને લઈને સુંદલપુરા યુવતીના ઘરે ગયા જ્યાં લગ્ન માટે એકબીજાએ સંમતિ આપ્યા બાદ ગઈ તા.૧૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ આરોપી યુવતી અને તેની માતા તથા કનુભાઈ અને હરેશભાઇ મોરબી આવ્યા અને બન્ને પક્ષોએ સંમતિથી લગ્ન પણ કરી નાખ્યા. લગ્ન બાદ યુવતી મીનાક્ષી માત્ર ત્રણ દિવસ માટે પતિના ઘરે રહી અને પછી પિયરમાં આટો દેવાના બહાને યુવતી તેના સાથે એક જોડી ચાંદીના સાંકળા, ચાંદીનું મંગળસૂત્ર, સોનાનો દાણો, ધાતુનો એક હાર અને મોબાઇલ ફોન પણ લઈ ગઈ હતી. જે આજસુધી પરત આવી નહિ. હાલ એ ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.