ગેરકાયદે દેશી કટ્ટો અને કારતૂસ પેન્ટના નેફામાં રાખતી વખતે થયું ફાયરિંગ: બંદૂક આપનાર સહિત બે સામે ગુનો નોંધાયો.
મોરબીના વિસીપરા વિસ્તારમાં ગેરકાયદે દેશી કટ્ટામાંથી મિસ ફાયરિંગ થતાં ૩૦ વર્ષીય યુવકની ડાબી જાંઘમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે પોલીસ તપાસમાં દેશી બંદૂક મિત્રે સાચવવા આપી હોવાનું ખુલતા પોલીસે બંદૂક આપનાર સહિત બે સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા આશિષ હેમંતભાઈ આદ્રોજાએ આશરે ૧૫ દિવસ પહેલાં પોતાના મિત્ર રાજેશભાઈ ખીમજીભાઈ પરમાર ઉવ.૩૦ રહે. વીસીપરા સતનામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૩ લાયન્સનગર મોરબી વાળાને એક દેશી કટ્ટો અને જીવતો કારતૂસ સાચવવા આપ્યો હતો. રાજેશભાઈએ આ હથિયાર પોતાના ઘરે સંતાડી રાખ્યું હતું. આ દરમિયાન તા.૨૮ સપ્ટેમ્બરની રાત્રે રાજેશભાઈ દેશી કટ્ટો પોતાની સાથે લઈ વીસીપરા ખાતે સિટીઝન ફેક્ટરી બહારના ખુલ્લા પ્લોટમાં મિત્ર અરવિંદ બઘેલ સાથે બેઠા હતા. જે બાદ ઘરે જતી વખતે દેશી કટ્ટો પેન્ટના નેફામાં રાખવા જતા અચાનક ફાયરિંગ થયું હતું અને તેમાંથી નીકળેલ છરાથી તેમની ડાબી જાંઘમાં ગંભીર ઈજા થઈ હતી.
જેથી રાજેશભાઈને પ્રથમ મોરબીમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બી ડિવિઝન પોલીસની તપાસ અને ઇજાગ્રસ્ત રાજેશભાઈના નિવેદનના આધારે પોલીસે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા અને રાજેશભાઈ ખીમજીભાઈ પરમાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ, આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.






