મોરબીમાં બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસ્યા છે. તેમજ ગઈકાલે સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને પગલે ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ વરસતા ઘોડાધ્રોઇ ડેમ છલોછલ ભરાયો છે અને ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા છે. કુલ ૧૭ ફૂટની ઉંડાઇના ઘોડાધ્રોઇ ડેમની સપાટી આજે સવારે ૧૪.૨૦ ફૂટ હતી ત્યારબાદ ધોધમાર આવક થતા ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને હવે ગમે ત્યારે ઓવરફ્લો થાય તેમ હોવાનું મોરબી કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ નીચાણવાળા 10 ગામોને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, જાસામતગઢ, શાપર, જેતપર (મચ્છુ), સપર તેમજ માળિયા(મીં) તાલુકાના માણબા, સુલતાનપુર અને ચીખલી એમ મળી કુલ 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.