મોરબીના ગોરખીજડીયા ગામે આવ પેપરમીલ કારખાનામાં વેસ્ટ વિભાગમાં નાઈટશિફ્ટમાં લોડર ચાલકે પોતાનું વાહન આગળ પાછળ જોયા વગર પુરપાટ ઝડપે ચલાવી ત્યાં કામ કરી થોડો આરામ કરવા સુતેલ શ્રમિક ઉપર લોડરનું વ્હીલ ફેરવી દેતા શ્રમિકને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જે ઇજાઓને કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામની સીમમાં આવેલ તીર્થક પેપર ઇન્ડસ્ટ્રીઝના વેસ્ટ વિભાગમાં ગત તા. ૦૧/૦૭ના રોજ નાઈટશિફ્ટમાં કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની હાલ પેપરમીલની મજૂર કોલોનીમાં રહેતા શ્રમિક હરિસિંગ ફેરનસીંગ લોધી વેસ્ટ વિભાગમાં કામ કરી રહેલ હતા અને થોડો આરામ કરવા આડા સુતા હતા ત્યારે લોડર નં. જીજે-૩૬-એસ-૪૩૪૬વાળાના ચાલકે પાછળ જોયા વગર પુરઝડપે અને ગફલતભરી રીતે રીવર્સમા લઇ પાછળથી શ્રમિક હરિસિંગ લોધીને હડફેટે લઈ કમરના ભાગે લોડરનુ વ્હીલ ફરી જતા તેમને શરીરે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ મામલે મૃતકની પત્ની ત્રિવેણીબેન હરિસિંગ ફેરનસીંગ લોધી ઉવ.૪૪એ મોરબી તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.