મોરબી: ગાંધીનગર ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં મોરબી જીલ્લાના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેષ દિલીપકુમાર દવે સહિત કુલ ૧૧૫ કલાસાધકોને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ-૨૦૨૫થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ગણમાન્યોની હાજરીમાં સંસ્કૃતિ સેવકોને આ એવૉર્ડ અર્પણ કરાયા હતા.
ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મોરબી જીલ્લાના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેષ દિલીપકુમાર દવેને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ-૨૦૨૫ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન ક્ષેત્રે કરવામાં આવેલી તેમની ઉમદા કામગીરીને રાજ્યસ્તરે માન્યતા અપાઈ છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામભાઈ સવાણી, તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર અને અન્નપૂર્ણાબેન શુક્લા સહિતના પ્રખ્યાત કલાપ્રેમીઓ અને સંસ્કૃતિ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની સંસ્કૃતિના સાચા સૈનિક તરીકે રાજ્યભરમાં સેવા આપતા ૧૧૫ ઉપાસકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. મોરબીના કલા સાધક મિતેષ દવેને ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમીની અન્નપૂર્ણાબેન શુક્લાના હસ્તે એવૉર્ડ અર્પણ કરાયો હતો. મિતેષ દવે હેરિટેજ સંવર્ધન તથા તેના જતન ક્ષેત્રે સતત કાર્યરત રહી મોરબીના પ્રાચીન વારસાને ઉજાગર કરવા માટે જાણીતા છે. તેમની સેવા અને પ્રયત્નોને રાજ્ય સ્તરે મળેલું આ સન્માન મોરબી માટે ગૌરવની વાત છે.









