કોરોના મહામારીમાં કાચા માલના ભાવમાં 50 ટકા ઉછાળો : પૂંઠા-પસ્તીના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય
મોરબી : સિરામિક હબ ગણાતું મોરબી હવે પેપરમિલ હબ પણ બની ગયું છે. સમગ્ર રાજ્યમાં 125 પેપરમીલ સામે એકલા મોરબીમાં જ 50 જેટલી પેપરમિલો આવેલી છે ત્યારે કોરોના કાળમાં લોકડાઉન બાદ રો મટિરિયલના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવતા મોરબી પેપરમિલ એસોશિએશન દ્વારા ઉત્પાદનમાં 20 ટકા કપ મુકવાની સાથે પૂંઠા -પસ્તીના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય કર્યો હોવાનું આજે પેપરમિલ એસોશિએશન પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.
સમગ્ર રાજ્યમાં કાગળ ઉત્પાદનમાં મોરબી જિલ્લો હાલ મોખરાના સ્થાને છે. રાજ્યમાં વડોદરા, રાજકોટ, હિંમતનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર મળી કુલ 125 પેપરમિલો આવેલી છે. જે પૈકી એકલા મોરબીમાં જ 50 જેટલી પેપરમિલો આવેલી છે ત્યારે કોરોના લોકડાઉન બાદ પેપરમીલ ઉદ્યોગને પડતી મુશ્કેલી અંગે આજે રાજ્યના પેપરમિલ માલિકોની મહત્વપૂર્ણ બેઠક મોરબી ખાતે મળી હતી. જેમાં કાચા માલની અછત ઉપરાંત રો-મટિરિયલના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવતા ઉત્પાદનમાં 20 ટકા કાપ મુકવા નક્કી કરાયું હતું.
આ બાબતે મોરબી પેપરમિલ એસોશિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મુખ્યત્વે યુરોપિયન અને ગલ્ફ દેશોમાંથી ગુજરાતની પેપરમિલોમાં રો મટીરીયલ આવતું હતું. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકડાઉન બાદ વિદેશથી આવતો કાચો માલ બંધ થયો છે. ઉપરાંત રાજસ્થન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સ્થાનિક માર્કેટમાંથી આવતો કાચો માલ પણ મોંઘો થયો છે. ખાસ કરીને આગાઉ 16 રૂપિયા પ્રતિકિલો લેખે આવતું રો-મટીરીયલ હાલ રૂપિયા 25 સુધી પહોંચી ગયું છે. પરિણામે પેપરમિલોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં હાલમાં આ મુશ્કેલીના સમયગાળામાં પેપરમિલો દ્વારા 20 ટકા ઉત્પાદન ઘટાડવાની સાથે-સાથે સ્થાનિક રો-મટિરિયલના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેથી પૂંઠા -પસ્તીના ભાવ ઘટી જશે અને પેપરમિલોને આંશિક રાહત થશે,દરમિયાન મોરબી પેપરમીલ એસોસીએશનના ઉપ પ્રમુખ અમૃતભાઈ ભૂત દ્વારા નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપવામાં આવતા તેમના સ્થાને વિશાલ પટેલ અને સુનિલ પટેલની નિમણુંક કરવામાં આવી છે અને આજની પત્રકાર પરિષદમાં મોરબી પેપરમીલ એસોસીએશનના હોદેદારો ઉપરાંત રાજ્યભરના પેપરમિલ ઉત્પાદકો હાજર રહ્યા હતા.