ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ રમતોત્સવ 2026માં મોરબીનું નામ ગૌરવભેર ઉજાગર થયું છે. મોરબી જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા ચાર ઝોનના જવાનો માટે વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં 100, 200 અને 400 મીટર દોડ, ગોળાફેક, રસ્સા ખેંચ, વોલીબોલ સહિત વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં રાજ્યભરના ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોરબીના હોમગાર્ડઝ કમાન્ડન્ટ દીપ ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ સેન્ટર ફાયર અને સ્ટાન્ડર્ડ પિસ્તોલ શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિશેષ ઓળખ મેળવી હતી. તેમની આ સિદ્ધિને પગલે તેમને રાજ્ય સ્તરે “વ્યક્તિ વિશેષ સન્માન” સાથે એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત હોમગાર્ડઝના ડાયરેક્ટર જનરલ ડો. સમશેરસિંહ (IPS)ના હસ્તે આ સન્માન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપ પટેલને અભિનંદન પાઠવી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પટેલની આ સિદ્ધિએ મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની લાગણી ઉભી કરી છે.









