જામનગર વિરુદ્ધની મેચમાં ૭૨ બોલમાં ૭૧ રન ફટકારી મોરબીના યુવાન બેટ્સમેનનો કરિશ્મો
મોરબી: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ પર ચાલતી અંડર-૧૯ ડિસ્ટ્રિક્ટ મેચમાં મોરબીના યુવાન ખેલાડી યશરાજસિંહ ઝાલાએ ૧૦ ચોગ્ગા અને ૧ છગાના સહારે ૭૨ બોલમાં ૭૧ રન બનાવ્યા. તેમના આ શાનદાર પ્રદર્શનથી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પેવેલિયન ગ્રાઉન્ડ, સણોસરા ખાતે જામનગર ડિસ્ટ્રિક્ટ અંડર-૧૯ અને મોરબી ડિસ્ટ્રિક્ટ અંડર-૧૯ વચ્ચે મેચ યોજાઇ હતી. આ મેચમાં મોરબી તરફથી રમત રમી રહેલા યુવાન અને પ્રતિભાશાળી બેટ્સમેન યશરાજસિંહ ઝાલાએ શાનદાર બેટિંગ કરતાં ૭૨ બોલમાં ૭૧ રનની નોંધપાત્ર ઇનિંગ રમી હતી. તેમણે ૧૦ ચોગ્ગા અને એક છગાની મદદથી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
યશરાજસિંહ ઝાલા છેલ્લા કેટલાય સમયથી પોતાની સતત મહેનત અને પ્રતિભા દ્વારા ટીમ માટે મજબૂત પાયો પૂરો પાડી રહ્યા છે. દરેક મેચમાં તેમની પ્રગતિ અને આત્મવિશ્વાસભરી બેટિંગ મોરબી જેવા શહેરમાં નવી આશા જગાવી રહી છે. નાના શહેરમાંથી આવતાં આ યુવાન ખેલાડીએ મોટાં શહેરોની ટીમ સામે પણ પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે. મોરબીના યશરાજસિંહ ઝાલાએ પોતાના કુટુંબ ઉપરાંત સમગ્ર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે અને ક્રિકેટના મહાકુંભ સુધી પહોંચવાની શક્યતાઓ પ્રબળ બનાવી છે. આવતીકાલના એક આશાસ્પદ ખેલાડી તરીકે યશરાજસિંહ ઝાલાનું નામ હવે પ્રદેશસ્તર પર ગુંજાઇ રહ્યું છે.