મોરબી શહેરના શનાળા રોડ પર સ્થિત સરદારબાગના નવીનીકરણ માટે રાજ્ય સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે નવું રૂપ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઇક્વિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લૉન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેન, લાઇટિંગ, સિક્યોરિટી કેબીન, સ્ટોર રૂમ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.
શનિવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૪ વાગ્યે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વરદહસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ વિકાસ કાર્યોમાંથી એક એવા આ પ્રોજેક્ટના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેરના નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.