મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અસામાજિક તત્વોએ એક વૃધ્ધે તેના ઘરમાં સીસીટીવી લગાવતા તેમજ તેની સાથે જૂની અદાવત હોય તેના ખારમાં ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. અને વૃધ્ધનાં ઘરમાં તથા વાહનમાં તોડફોડ કરી વૃધ્ધ તથા તેના પરિવારજનોને ઢોર માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શકત શનાળા ગામે આવેલ ઇન્દીરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય તેમજ તેઓને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાઘેલા તથા માનવ બચુભાઇ સોલંકી (રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી)એ પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા તથા દેવુબેન બાબુભાઇ સોલંકીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી તથા સાહેદ નિતીન મહેશભાઇ સોલંકીને જમણા હાથમાં તથા ડાબા પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ સાહેદ રાહુલ મહેશભાઇ સોલંકી ને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી માર મારી ફરીયાદીના ઘરમાં રહેલ LED TV તથા દરવાજાઓ તથા વાહનોમાં તોડફોડ કરી આશરે રૂ.૩૦,૦૦૦/- જેટલુ નુકશાન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.