મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલા વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ ફ્લેટમાં જ પત્ની તથા દીકરા સાથે ગળેફાંસો ખાઈને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આ ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઈડ નોટમાં અંગત કારણોસર આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ હસતા ખેલતા પરીવારની આજે એક સાથે અંતિમયાત્રા નીકળી હતી.
મોરબીમાં ગઈકાલે હાર્ડવેરના વેપારી હરેશભાઈ દેવચંદ ભાઈ કાનાબાર, તેના પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષ દ્વારા આત્મહત્યા કરી જીવન ટૂંકાવવામાં આવી હતી. જેને કારણે હસતા ખેલતા પરીવારની આજે એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. મૃતક હરેશભાઈનો પુત્ર હર્ષ સી.એ માં અભ્યાસ કરતો હતો. જેની ફી ભરવામાં પણ ડિલે થતું હતું. ફ્લેટનું એક વર્ષનું મેઇન્ટેનન્સ પણ બાકી હતું અને ધંધો ચાલતો ના હોવાથી વેપારી પરિવાર આર્થિક સંકટમાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક પૈકી વર્ષા બહેન અને હર્ષ ના હાથ બંધાયેલી હાલતમાં હતા. ત્યારે પ્રાથમિક દ્વષ્ટિએ ગળાફાંસો ખાવાને લીધે મોત થયું હોવાનો ડોકટરનો અભિપ્રાય છે. જયારે વધુ તપાસ માટે વિશેરા FSL રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.