ધ્રોલ માર્કેટીંગયાર્ડના વેપારીએ ખેડૂતોને પૈસા ચુકવવાના હોવાનું જણાવ્યું IT દ્વારા પૂછપરછ
શહેરના પોલીસે ખેરવા ચેક પોસ્ટ નજીક થી વાહન ચેકીંક દરમિયાન કારમાં પસાર થઈ રહેલા મોરબી પંથકના બે યુવક પાસેથી રૂ. ૧,૭૬ રોકડા રોકડા મળી આવ્યા હતા. પેટા ચૂંટણીના આગલા દિવસે માતબર રોકડ સાથે બે યુવક મળી આવતા બન્નેની સઘન પૂછપરછ કરાઈ હતી. પરંતુ આ રકમ ખેડૂતેને ચૂકવવાની હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે ઇન્કમટેકસ વિભાગને જાણ કરતા વિશેષ તપાસ ઇન્કમ ટેકસના અધિકારી ચલાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેર તાલુકાના ખેરવા ગામને રાજકોટ કુવાડવા પોલીસચોકીમાં ભેળવ્યા પછી ખેરવા નજીક પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના અધિકારી, સ્ટાફ ગત સાંજે ખેરવા ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે પસાર થઈ રહેલી એન્ડેવર કારને પોલીસે શંકાના આધારે અટકાવી હતી. કારની અંદર બે યુવક હતા, તેમજ પાછળની સીટ પર એક થેલો હતો, પોલીસે થેલાની તલાસી લેતા અંદરથી પોણા બે કરોડ રોકડા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પેટા ચૂંટણીના મતદાનની પૂર્વ સંધ્યાએ માતબર રોકડ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા જયદિપ ઠાકરસીભાઈ બદરકીયા (રહે, મોરબી) અને નિલેશ સુરેશભાઇ ઉટવાડીયા (રહે, ભડીયાદ, મોરબી)ની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બન્નેએ એવો ખુલાસો કર્યો હતો કે આ રકમને ચૂંટણી સાથે કોઇ નિસ્બત નથી. નિલેશ અને જયદિપ માસીયાઈ ભાઇ છે. જયદિ૫ મોરબીમાં ખેતવાડીને લગતી પ્રોડક્ટનું વેચાણ કરે છે. જ્યારે નિલેશને ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં સાક્ષી નામની પેઢી છે, તેમજ ઉપરોક્ત રકમ ખેડૂતોને ચૂકવવા માટે લઇ જઇ રહ્યા છે. જોકે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી હોવાથી પોલીસે ત્વરીત ઇન્કમટેકસ વિભાગને જાણ કરી હતી. ઇન્કમટેકસના અધિકારીઓએ પોણા બે કરોડ રોકડા ક્યાંથી અને કઈ રીતે આવ્યા? એ મામલે બન્નેની સઘન પૂછપરછ શરૂ કરી છે.તપાસના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી.