મોરબીનાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ૧૫૦૦થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈ વિતરણ કરી જન્માષ્ટમીની સેવાકીય ઉજવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવાભાવી આગેવાનોએ ભગવાન શ્રી કૃષ્ણનો ગેટ અપ ધારણ કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ઉપર સ્મિત લહેરાવ્યું હતું.
સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપે આજે કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને ગ્રુપના કાર્યકર્તાઓએ શહેરના જરૂરિયાતમંદ ૧૫૦૦ થી વધુ બાળકોને રમકડાં તથા મીઠાઈની ભેટ આપી હતી. આ ભેટથી બાળકોના ચહેરા પર ખીલી ઉઠેલા સ્મિતે તહેવારની ઉજવણીને સાચા અર્થમાં પાવન બનાવી દીધી છે, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મર્મ માત્ર પોતાના પરિવારમાં મર્યાદિત નથી, પરંતુ બીજાના જીવનમાં આનંદ લાવવો એ જ તહેવારોની સાચી મહત્તા છે. યંગ ઇન્ડિયા ગ્રુપે આ સંદેશને જીવંત કરતાં જન્માષ્ટમીની ઉજવણી સમાજના વંચિત વર્ગ સાથે કરી છે, યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે “અમે દરેક તહેવારની ઉજવણીમાં બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ માણીએ છીએ. તહેવારોની સાચી મહત્તા એમાં જ છે કે પોતાના પરિવાર કે મિત્રોથી આગળ જઈને સમાજના વંચિત વર્ગ સાથે સુખ વહેંચીએ. આજનો કાર્યક્રમ એ સંદેશ આપે છે કે કૃષ્ણનો જન્મ ત્યાં થાય છે, જ્યાં કોઈ નિર્દોષ બાળકના હૃદયમાં આશાનું દીવડો પ્રગટે. આવનારા સમયમાં વધુ લોકો આ દિશામાં પ્રેરાય એ જ અમારો આશય છે.” યંગ ઇન્ડિયા ગ્રુપની આ પહેલ માત્ર એક તહેવારની ઉજવણી પૂરતી ન રહી પરંતુ સમાજમાં પ્રેમ, કરુણા અને સૌહાર્દનું પ્રેરણાદાયી બીજ વાવી શકી છે.