રાજ્યમાં ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ દ્વારા આજે 3437 જગ્યા માટે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે. જેમાં મોરબી જિલ્લામાં ચાર તાલુકામાં 54 કેન્દ્રોના 604 બ્લોકમા આજે 18180 ઉમેદવાર તલાટી મંત્રીની પરીક્ષા આપશે.
તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે રાજ્યભરમાંથી કુલ 17 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. જો કે ફોર્મ ભરનાર ઉમેદાવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા માટે સંમતિ પત્રક ભર્યા હતા. પરીક્ષાર્થીએ પોતાના કેન્દ્ર પર 11.55 વાગ્યે પ્રવેશવાનું રહેશે. મોરબી જિલ્લામાં પરિક્ષાને લગતું સાહિત્ય પહોંચાડવા 11 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાભરમાં 1700 જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. તેમજ 300 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે. તેમજ એસટી વિભાગ દ્વારા આઠ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. અને પરીક્ષાર્થીઓ માટે સાત સ્થળો પર સંસ્થાઓ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.