મોરબી શહેરની મધ્યમાં આવેલ મચ્છુ નદી પરના મયુર પુલ તેમજ પાડા પુલના 35થી વધુ સ્ટ્રીટલાઈટના પોલ છેલ્લા 2 વર્ષ કરતા વધારે સમયથી ગુમ થઈ ગયા છે. મોરબી નગરપાલિકાએ આજદીન સુધી આ પોલ કયા ગુમ થયા તે જાણવાની કે તે અંગે પોલીસ ફરિયાદની પણ તસ્દી લીધી નથી. કે આ સ્થળ પર નવા પોલ મુકવાની કામગીરી કરવામાં આવી નથી. જેથી, આ બાબતે મોરબીના સામાજિક અગ્રણીએ અગાઉ પણ રજુઆત કરી અહીં નવા પોલ ઉભા કરવા માંગણી કરી હતી જો કે નગર પાલિકા દ્વારા કામગીરી ન કરવામાં આવતા આજે ફરીવાર સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદિશભાઈ બાંભણીયા, જીજ્ઞેશ પંડ્યા અને મુસ્તાક લાલમહમદ બ્લોચ સહિતનાએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી વહેલી તકે નવા પોલ ઉભા કરી તેમજ જ્યાં પોલની લાઈટ બંધ છે. તે તમામ જગ્યાએ નવી લાઈટ મૂકી લાઈટ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબીના બેઠા પુલથી શક્તિ ચોક સુધી લાઈટ ફિટ કરવા માગણી કરી તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત માંગ કરી છે.