ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે જે ને પગલે ગેસનો મોટાપાયે ઉપયોગ કરતા મોરબીના સીરામીક ઉદ્યોગ પરનું ભારણ વધ્યું છે. વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરીયાએ આ ભાવ વધારાને સીરામીક ઉદ્યોગના મૃત્યુઘંટ સમાન ગણાવ્યું છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા 10.75 ટેક્સ સાથેનો નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગેસના જુના ભાવ 37.36 +6 ટકા ટેક્સ હતો જેના સ્થાને હવે નવો ભાવ 47.51 + 6 ટકા ટેક્સ કરવામાં આવ્યો છે. મોરબી સીરામીકમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો થતાં સીરામીક ઉધોગ પરનું ભારણ વધ્યુ છે. આ અંગે વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગ પતિ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે ગેસનો ભાવ વધારો મોરબી સીરામીક ઉદ્યોગ પર મરણતોલ સમાન સાબિત થશે જેથી ઉદ્યોગોનો મૃત્યુઘંટ વાગવાની શરૂઆત થઇ ચુકી હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબી સીરામીક ઉધોગમાં રોજનો 70 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરવામાં આવે છે. તેવા સંજોગો વચ્ચે કંપની દ્વારા રાતોરાત ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા સીરામીકના ધંધા સાથે સંકળાયેલા ઉધોગપતિઓમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો છે.
મહત્વનું છે કે તાજેતરમાં જ એનજીટી દ્વારા ચાલતા કેસમાં કોર્ટ દ્વારા સીરામીક ઉદ્યોગને મોટા ફાટકા સમાન 500 કરોડનો અધધ કહી શકાય તેટલો દંડ ચૂકવવા માટે આદેશ કરાયા બાદ હવે ગેસના ભાવ વધારો થતાં સીરામીકનો ઉધોગને મુશ્કેલી મુકાયા છે. આ નિર્ણય સીરામીક ઉદ્યોગ માટે મરણતોડ ફાટકા સમાન લાગી રહ્યો છે.