વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે પાડોશીની વાડીમાં ઢોર ચારવા મૂકી દેવા અંગે ઠપકો આપતા, બોલાચાલી બાદ ઝઘડો થતા ઉશ્કેરાયેલ બે મહિલા સહિત ચાર દ્વારા માતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ અને ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. હાલ હુમલામાં માતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોચતા તેઓને બકનેર બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મેસરીયા ગામે રહેતા મહેશભાઈ હિરાભાઈ કુમખાણીયા પોતાના માતા માનુબેન સાથે વાડીમાં હાજર હતા ત્યારે પડોશી રાજેશભાઈ શંકરભાઈ ભુસડીયા અને દિનેશભાઈ શંકરભાઈ ભુસડીયાની સાથે પોતાની વાડીમાં ઢોર ઘુસાડવાના મુદ્દે તકરાર થઈ હતી. બાદ સાંજે જ્યારે મહેશભાઈ અને તેમની માતા વાડીએથી ઘરે જતા હોય ત્યારે આરોપીઓએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. જેમાં આરોપી રાજેશભાઈએ લોખંડના પાઈપથી મહેશભાઈના માથા પર ઘા માર્યો જ્યારે આરોપી દિનેશભાઈ તથા બંનેની પત્નીઓએ માનુબેનને ઢીકાપાટુથી ઈજાગ્રસ્ત કર્યા હતા. આ હુમલામાં માતા-પુત્ર બન્નેને ગંભીર ઈજા થતા ૧૦૮ મારફતે પ્રાથમિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. હાલ બન્નેની સારવાર ચાલુ છે. ઘટનાને પગલે ચારેય આરોપીઓ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.