દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ ૨૧ ફેબ્રુઆરીના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ ઉજવણી અંતર્ગત કોલેજના વિધાર્થીઓએ ગુજરાત સાહિત્ય પરિષદ–અમદાવાદ દ્વારા જાહેર થયેલ અલગ-અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતો વિડીયો નિહાળ્યો હતો અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક શ્રી અનિલભાઈ કંસારા એ વિધાર્થીઓને માતૃભાષાના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા. તેમજ ગુજરાતી ભાષાના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયા હતા.