પત્નીની ફરિયાદ આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં ટ્રેક્ટરની અડફેટે મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર અકસ્માત મામલે મૃતકના પત્નીની ફરિયાદને આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં શ્રીજી કારખાના પાસે કાચા રસ્તા પર તા.૧૯/૦૨/૨૦૨૬ના રોજ માર્ગ અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી ચંપાબેન કાંતિલાલ પ્રેમજીભાઈ બાબરીયા ઉવ.૪૫ રહે. શક્તિપરા હસનપર તા.વાંકાનેર મૂળ રહે.ટોળ ગામ તા. ટંકારા વાળા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમના પતિ કાંતિલાલ પ્રેમજીભાઈ બાબરીયા ઉવ.૪૭ વાળા મોટરસાયકલ નં. જીજે-૦૩-બીએસ-૯૦૭૯ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આગળ જતા ટ્રેક્ટર રજી.નં. જીજે-૦૩-ઈએ-૪૩૬૩ની સાઈડ કાપી આગળ નીકળવા જતા હોય ત્યારે ટ્રેક્ટર ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાંતિલાલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









